આ ખેલાડીએ બનાવ્યો યુરો કપમાં સૌથી વધુ ગોલ ફટકારવાનો રેકોર્ડ

અત્યારે જગતમાં ફૂટબોલની ધૂમ ચાલી રહી છે. એક તરફ યુરો કપ, બીજી તરફ કોપા અમેરિકા સ્પર્ધામાં દે ધના ધન મેચો રમાઈ રહી છે. એમાં નીતનવા રેકોર્ડ સર્જાતા રહે છે. પોર્ટુગલના સુપરસ્ટ્રાઈકર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ હંગેરી સામેની મેચમાં પ્રથમ ગોલ ફટકારતાં જ યુરો કપમાં સૌથી વધુ ૯ ગોલ ફટકારવાના ફ્રેન્ચ લેજન્ડ માઈકલ પ્લાટિનીના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. રોનાલ્ડોએ ત્યાર બાદ ૧૧મો ગોલ પણ ફટકાર્યો હતો અને પોર્ટુગલે ૩-૦થી હંગેરીને પરાસ્ત કર્યું હતુ.

રોનાલ્ડો જેવા સુપરસ્ટારની હાજરી છતાં પોર્ટુગલને હંગેરીએ ૮૩ મિનિટ જોરદાર ફાઈટ આપી

હંગેરીના હાઈપ્રોફાઈલ ગોલ સ્કોરર ફ્રૅન્ક પુસ્કાસના નામ પરથી રાખવામાં આવેલા સ્ટેડિયમમાં ખેલાયેલા મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પોર્ટુગલે ૩-૦થી હંગેરીને મહાત કર્યું હતુ. રોનાલ્ડો જેવા સુપરસ્ટારની હાજરી છતાં પોર્ટુગલને હંગેરીએ ૮૩ મિનિટ જોરદાર ફાઈટ આપી હતી. જોકે ૮૪મી મિનિટે રાફેલ ગ્યુઈરેરોએ પોર્ટુગલને સરસાઈ અપાવી હતી. જે પછી રોનાલ્ડોએ પાંચ મિનિટના ગાળામાં બે ગોલ ફટકારતાં યુરો કપમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ સર્જ્યો હતો અને ટીમને ૩-૦થી જીત અપાવી હતી. તેણે ૮૭મી મિનિટે પેનલ્ટી કીકને ગોલમાં ફેરવી હતી. જ્યારે ૯૦ મિનિટ બાદ ઈન્જરી ટાઈમની બીજી મિનિટે તેણે વધુ એક ગોલ ફટકાર્યો હતો. રોનાલ્ડોએ યુરો કપની પાંચ ટુર્નામેન્ટમાં ગોલ ફટકારવાનો અનોખો રેકોર્ડ પણ સર્જ્યો હતો.

જર્મની અને વર્લ્ડ ચેમ્પિયન ફ્રાન્સ વચ્ચેની મેચ પણ ભારે રોમાંચક બની રહી

મ્યુનિચમાં રમાયેલી જર્મની અને વર્લ્ડ ચેમ્પિયન ફ્રાન્સ વચ્ચેની મેચ પણ ભારે રોમાંચક બની રહી હતી. મેચના પ્રારંભની ૧૦મી મિનિટે જ મેટ હમેલ્સે બોલને ક્લિયર કરવાના પ્રયાસમાં ગોલમાં મોકલી આપ્યો હતો અને આ સાથે ફ્રાન્સને સરસાઈ મળી હતી. જે પછી બંને ટીમોએ ગોલ ફટકારવાના પ્રયાસ કર્યા હતા, પણ તેમાં તેઓ સફળ રહ્યા નહતા. આખરે ફ્રાન્સ ૧-૦થી જીત્યું હતુ. મેટ હમેલ્સના ગોલને સહારે ફ્રાન્સે ૧-૦થી જર્મનીને મહાત કર્યું હતુ. જ્યારે રશિયાએ ૧-૦થી ફિનલેન્ડને પરાસ્ત કર્યું હતુ. રશિયા તરફથી એકમાત્ર ગોલ ફર્સ્ટ હાફના ઈન્જરી ટાઈમની બીજી મિનિટે એલેક્સી મિરાન્ચુકે ફટકાર્યો હતો

Live Updates COVID-19 CASES