યાસ વાવાઝોડાની ઝડપ વધી, 24 કલાકમાં બંગાળ અને ઓડિશામાં પર ટકરાવવાની શકયતા

દેશ પર તૌકતે બાદ વધુ એક વાવાઝોડાનું જોખમ તોળાઇ રહ્યું છે. ત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલ યાસ વાવાઝોડું આગામી 24 કલાકમાં પૂર્વના પશ્ચિમ બંગાળ અને ઓડિશાના સમુદ્ર કાંઠે ત્રાટકી શકે તેવી સંભાવના સેવાઈ રહી છે. બંગાળના 20 જિલ્લા પર તેનો ખતરો મંડરાઇ રહ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશના પણ 27 જિલ્લામાં 5 દિવસ સુધી વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

દેશના બંને પૂર્વીય રાજ્યો તરફ યાસ વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે. જેથી કાંઠા પર વસેલા લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવી રહ્યા છે. નેશનલ ડિઝાસ્ટર રેપિડ ફોર્સ સહિત બચાવ અને રાહત દળો અને કેન્દ્રીય એજન્સીઓએ સાવચેતી માટે મોરચો સંભાળી લીધો છે.

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આવતી કાલે 26 ચક્રવાતી તોફાન ફૂંકાઇ શકે છે. ખાસ કરીને ચાંદીપુર બાલાસોરમાં લેન્ડફોલ થવાની શક્યતા વધુ છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ 155થી 165 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. તેના પહેલાં બંને રાજ્યોમાં વાતાવરણ પલટાઇ ગયું છે.

જ્યારે ઓડિશાનાં ચાંદીપુર સહિત ઘણી જગ્યાએ વરસાદ પડવા માંડ્યો છે. એનડીઆરએફની ટીમોએ પૂર્વ મિદનાપુરમાંથી લોકોને સુરક્ષિત સ્થળો જવાની અપીલ કરી છે. ઉપરાંત ભારતીય નૌકાદળને પણ એલર્ટ કરી દેવાયું છે.

યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો તૈયાર છે. તાજેતરમાં જ પીએમ મોદીએ સમીક્ષા બેઠક કરી હતી અને ગૃહમંત્રી અમિત શાહે બંગાળ, ઓડિશા, ઝારખંડ અને આંધ્ર પ્રદેશના અધિકારીઓ સાથે આ મામલે ચર્ચા વિચારણા કરી હતી.

બંગાળમાં સીએમ મમતા બેનરજીએ જાતે મોરચો સંભાળ્યો છે. તેઓ સચિવાલયમાં જ રોકાશે. મમતાએ આશંકા જતાવી છે કે આ વખતે યાસ વાવાઝોડુ અગાઉના અમ્ફાન ચક્રવાત કરતા વધુ તબાહી મચાવી શકે છે. તેની રાજ્યનાં 20 જિલ્લામાં વધુ અસર થવાની સંભાવના છે. જેમાં ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પૂર્વ મિદનાપુરમાં સૌથી વધુ જોખમ છે.

સુપર સાયક્લોન અમ્ફાને ગત વર્ષે જ મેમાં બંગાળ અને ઓડિશામાં તબાહી મચાવી હતી. 195 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. 1999 બાદ ત્યારે સુપર સાયક્લોન ભારત પર ત્રાટક્યું હતું. દરમિયાન હુદહુદ વાવાઝોડાએ પણ 2014માં બંને રાજ્યોને રગદોળ્યા હતા. હવે યાસ વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં લઇ છેલ્લા બે દિવસથી માછીમારોને પરત લાવવાની પ્રક્રિયા ચાલુ છે. જ્યારે હવામાન ખાતાએ યુપીના 27 જિલ્લામાં યાસની અસરને કારણે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યાં 28 મે સુધી ભારે વરસાદની સંભાવના છે.

Live Updates COVID-19 CASES