શું કોરોના વેક્સિનના અલગ-અલગ ડોઝ લઈ શકાય? આ રહ્યો જવાબ

દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી છે અને નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારાઓનો દર વધી રહ્યો છે. રિકવરી રેટ વધીને 90 ટકા થઇ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે ગત 24 કલાકમાં દેશમાં 2,57,000 કેસ નોંધાયા છે. જ્યારે 3,57,630 લોકો રિકવર થયા છે. 78% નવા કેસ 10 રાજ્યોમાંથી નોંધાઇ ચૂક્યા છે. ફક્ત 7 રાજ્યોમાં દરરોજ 10 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

આ દરમિયાન ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં 20 લોકોને કોરોનાની બે અલગ-અલગ વેક્સિન લગાવવાને લઇને ઉભા થયેલા સવાલ પર નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડોક્ટર વીકે પોલે કહ્યું કે તેને લઇને ગભરાવવાની જરૂર નથી. ડોક્ટર વીકે પોલે કહ્યું કે અલગ-અલગ વેક્સિન લગાવો તો પણ ચિંતાની કોઇ વાત નથી. તેમણે કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ રિપોર્ટ મળ્યા બાદ તેના પર આગળ નિર્ણય લેવામાં આવશે.

ડો વીકે પોલએ આગળ કહ્યું કે પ્રોટોકોલ મુજબ સજાગ રહેવાની જરૂર છે. એવું ન થાય કે વ્યક્તિને પહેલાં જે વેક્સિન લગાવવામાં આવી હોય અને તેની બીજી વેક્સિન લાગે, પરંતુ તેમ છતાં જો આમ ન થાય તો એટલો મહત્વપૂર્ણ મુદ્દો ન હોવો જોઇએ. તમને જણાવી દઇ કે સિદ્ધાર્થનગરમાં 20 લોકોને પહેલો ડોઝ કોવિશીલ્ડનો અને બીજો ડોઝ કોવેક્સિનનો આપવામાં આવ્યો હતો.

નીતિ આયોગના સભ્યએ કહ્યું કે એવી પણ વાતચીત ચાલી રહી છે કે અલગ અલગ લગાવવામાં આવે તો ઇમ્યૂનિટી વધુ હોય છે, પરંતુ હાલ તેના પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ જે લોકોને કોકટેલ વેક્સિન લાગી છે તેમને ગભરાવવાની જરૂર નથી.

વેક્સિનને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી 45 વર્ષથી વધુ ઉંમરના 14.85 કરોડ લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. 18-44 વર્ષના લોકોને અત્યાર સુધી 1.39 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ગત 1 અઠવાડિયામાં દરરોજ 21,00,000 ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોઝિટિવિટી રેટ દેશમાં 10.45 રહી ગયો છે.

Live Updates COVID-19 CASES