સાબરકાંઠા : તલોદના છત્રીસા ગામમાં પોલીસ જવાન અને પુત્ર નકલી દારુ બનાવતા ઝડપાયા

પોલીસ અને પુત્ર દારૂ બનાવતા ઝડપાયા

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના છત્રીસા ગામે એક પોલીસ જવાન તેના પુત્ર સાથે મળીને નકલી દારૂ બનાવતો હતો. ડુપ્લિકેટ દારૂને અમદાવાદના દારૂ શોખીનોને પૂરો પાડતો હતો. સ્થાનિક પોલીસને બાતમી મળતા પોલીસ પિતા અને તેના પુત્રને ઝડપી લઇ જેલ હવાલે કર્યો છે.સાથે સાથે જ બનાવટી દારૂ બનાવવા ની મીની ફેક્ટરીનો સામાન પણ પોલીસે જપ્ત કર્યો છે.

તલોદ પોલીસ મથકને એક બાતમી મળી હતી જે બાતમી મુજબ એ પોલીસ જવાન પોતાના જ ઘરમાં બનાવટી વિદેશી દારૂ બનાવતો હતો. પોલીસને પહેલી નજરે આ બાતમી પર શંકા લાગી રહી હતી, પરંતુ સ્થળ પર પહોંચતા જ પોલીસની આંખો ફાટીને પહોળી થઇ ગઇ હતી. કારણકે એક પોલીસ જવાન પોતે જ તેના પુત્ર સાથે મળીને ઘરમાં જ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ચલાવી રહ્યો હતો. પોલીસ દરોડો પાડવા માટે છત્રીસા ગામે પહોંચી ત્યારે જ્યાં પોલીસ જવાનના ઘરમાં બનાવટી વિદેશી દારૂ બની રહ્યો હતો. આ માટેની સામગ્રી જોઈએ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે 552 બોટલ બનાવટી દારૂ સ્થળ પરથી જ ઝડપી પાડ્યો હતો. આ સાથે પિતા-પુત્રની પણ ધરપકડ કરી લેવાઈ હતી. આરોપી પિતા પુત્ર ઘરમાં જ વિદેશી જુદી જુદી દારુની બ્રાન્ડના સ્ટિકર તૈયાર રાખતા અને એવી જ ડુપ્લીકેટ બોટલોમાં પેક કરીને સ્ટિકર ચોંટાડીને દારુની બોટલો તૈયાર કરીને અમદાવાદમાં સપ્લાય કરતા હતા.

આરોપી
01. રણજીતસિંહ દિપસિંહ ચૌહાણ, સ્પેન્ડેડ પોલીસ જવાન, શાહિબાગ પોલીસ હેડક્વાર્ટર
02. જયદિપસિંહ રણજીત સિંહ ચૌહાણ, પુત્ર, રહે. છત્રીસા, તા. તલોદ. જી. સાબરકાંઠા

આરોપી પોલીસ જવાન હાલ ફરજ મોકૂફ છે. જે અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતો હતો. આ અગાઉ પણ પોલીસ જવાન રણજીતસિંહ ચૌહાણ મહીસાગર પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. જે દરમિયાન તે દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ આવ્યો હતો. ત્યારબાદ ગત જૂન માસથી હાલ ફરજ મોકૂફ કરવામાં આવેલો છે. ફરજ મોકુફી દરમિયાન હેડ ક્વાર્ટર પર હાજર રહેવાના બદલે ઘરે જ બનાવટી વિદેશી દારૂ બનાવી અમદાવાદમાં વેચતો હતો. તલોદ પોલીસને બાતમી મળતા પોલીસે રાત્રી દરમિયાન તેના ઘરને ચોતરફથી ઘેરી લઇ દરોડો પાડ્યો હતો. તલોદ પોલીસે પિતા પુત્રની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં ક્યાં અને કોને કોને આ ડુપ્લીકેટ દારૂનો ઝથ્થો સપ્લાય કરતા હતા એ પણ તપાસ હાથ ધરી છે.

Live Updates COVID-19 CASES